💥*ધોળાવીરા*💥
🎯કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી ૨૨૫ કિલોમીટર દૂર સ્થિત ધોળાવીરા પૂર્વ કચ્છના ખડીર બેટમાં આવેલું છે.
🎯ઈ.સ. ૧૯૭૦ના દાયકામાં કચ્છમાં પડેલા દુષ્કાળના સમયમાં ખડીર વિસ્તારમાં ચાલી રહેલા એક રાહત કામ દરમિયાન એક મુદ્રા મળી અને આ પછી આરંભાઈ અતિતના સ્પંદનો ઝીલવાની કવાયત.
🎯ઈ.સ. ૧૯૬૭-૬૮ના વર્ષ દરમિયાન જગતપતિ જોશીએ ધોળાવીરાનું આરંભિક મોજણી કાર્ય હાથ ધરતૉ આ સ્થળે વિશાળ હડપ્પીય નગર હોવાનું શોધી શકાયું.
🎯તે પછી છેક ૧૯૯૧ના ગાળામાં ભારત સરકારના પુરાતત્વીય સર્વેક્ષણના શ્રી બીસ્ટ અને તેમના સાથીદારોએ ઉખનન કાર્યનો આરંભ કર્યો. પરિણામે ત્રણ ભાગમાં વહેંચાયેલું એક વિરાટ સિંધુસંસ્કૃતિનું નગર પ્રકાશમાં આવ્યું.
🎯તમામ દૃષ્ટિએ જોતાં કંઈક ને કંઈક વિશિષ્ટતાવાળું આ નગર સિંધુ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો પૂરવાર થયો અને જેણે કચ્છને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી દીધી.
🎯હડપ્પીય નગર ધોળાવીરાની ખાસ ધ્યાન ખેંચે તેવી તેની કિલ્લેબંધી છે. મુખ્ય મહેલ કે જેને ‘સિટાડેલ' કહેવામાં આવે છે તે ખૂબ જ મજબૂત કિલ્લાથી રક્ષવામાં આવ્યો છે. બીજો કિલ્લો આ મહેલ તેમજ ઉપલા નગરની સુરક્ષા માટે બાંધવામાં આવ્યો છે.
🎯આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે પણ કચ્છનું આ શહેર દુશ્મનોથી સાવધ હશે તે આ ઉપરથી અંદાજ કરી શકાય છે.
🎯અહીંના સુશોભિત સ્તંભો પણ વિશેષ છે. આ સ્તંભો શાના હોઈ શકે તે સંશોધનનો વિષય છે પરંતુ પુનાની ડેક્કન કોલેજના પૂર્વ નિયામક ડૉ. એમ.કે. ધવલીકરનું માનવું છે કે આ શંકુ આકારના સ્તંભો કોઈ સ્મારક સ્તંભો હોઈ શકે છે.
🎯સિંધુકાલિન લોકો કલાના ઉપાસક ન હતા એવી માન્યતાને ધોળાવીરાએ જબરી શિકસ્ત આપી છે.
🎯ધોળાવીરાના મહેલના ચારે દરવાજા કોતરણીવાળા પથ્થરોના બનેલા છે અને આ પ્રકારનું સ્થાપત્ય બીજે ક્યાંય પણ જોવા મળ્યું નથી.
🎯ધોળાવીરામાંથી મળી આવેલું એક વિશાળ બોર્ડ પણ રસપ્રદ છે. જેના પર સિંધુ લિપીમાં અક્ષરો લખવામાં આવ્યા છે. આ બોર્ડ પર લુગદી જેવા પદાર્થ વડે ચોડીને સફેદ પદાર્થથી લખાયેલા ૧૦ અક્ષરો કે સંજ્ઞાઓ છે. જ્યારે પણ લિપી ઉકેલાશે ત્યારે આ બોર્ડ પરની સંજ્ઞાઓનો ઉકેલ ખૂબ જ રસપ્રદ નીવડશે એ ચોક્કસ છે.
🎯અહીંના પાણીની બચત કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવાના અને દૂરની નદી તેમજ ઝરણામાંથી પાણી લઈ આવવાની સુંદર યોજના અહીં જોઈ શકાય છે. મહેલમાં પાણીનો એક મોટો ટાંકો છે જેમાં વિશાળ ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા છે અને આ ગરનાળું ભૂગર્ભમાં હોવાથી કિલ્લો બંધ હોવા છતાં પણ પાણીનો આ પ્રવાહ ચાલુ રહે છે. વરસાદી પાણી ભેગું થઈ તળાવમાં ભરાય તેવી રચના પણ છે.
🎯ન્હાવાનો એક મોટો હોજ પણ અહીં છે.
🎯મહેલની બાજુમાં રમત-ગમતનું વિશાળ મેદાન છે. એ મેદાનની એક તરફ મહેલમાં બેઠેલી વ્યક્તિઓ અને બીજી તરફ નગરજનો બેસીને રમત-ગમત કે અન્ય કાર્યક્રમો જોઈ શકે.
🎯 મહેલથી થોડે દૂર ઉપલું નગર છે, જેમાં ધનિકો અને વેપારીઓ વસતા હશે. બેથી પાંચ ઓરડાવાળા મોટા મકાનો પથ્થરોના બનેલા છે.
🎯ખૂબ જ વ્યવસ્થિત કાટખૂણે કાપતા રસ્તાઓ છે.
🎯 વપરાયેલા પાણીના નિકાલ માટે અહીં સુંદર ગટર વ્યવસ્થા જોવા મળે છે. દરેક ઘરમાંથી નીકળતું પાણી ઘરની બહાર રહેલી ભોંખાળ જેવા માટલામાં અને ત્યાંથી ગટરમાં લઈ જવાતું.
🎯ઘરેણાં બનાવવાની, મણકા બનાવવાની અને તેમાં કાણાં પાડવાની હાર પણ અહીં જોવા મળી છે.
🎯આ ઉપલા નગરથી દૂર એક ગરીબ વસતી હોવાનું જણાય છે. જેને પુરાતત્વવિદો નીચલું નગર કહે છે. અહીં કાચા-પાકા નાના મકાનો દેખાય છે. શ્રમિક વર્ગ માટે પણ મેલાં પાણીના નિકાલની વ્યવસ્થાઉપલા નગર જેવી જ છે.
🎯અહીંથી હડપ્પીય મુદ્રાઓ, વજનીયાંઓ(કાટલાં), હથિયારો, મણકા, સોનાના આભૂષણો મળ્યા છે. એક માતૃકા પણ મળી છે.
🎯છીપની એક ગોળાકાર રીંગ મળી છે, જેમાં ઉપરના ભાગમાં છ અને નીચેના ભાગમાં છ એમ ઊભા કાપા કરવામાં આવ્યા છે. વિદ્વાનો અને પંચાંગની બાર રાશિઓના પ્રતિક અથવા નેવીગેશન કંપાસ (હોકાયંત્ર) હોવાનું તારણ કાઢે છે.
🎯સુમેરિયન ઇતિહાસમાં સિંધુ કાંઠે મહાબંદર હોવાનો ઉલ્લેખ છે તે ધોળાવીરા હોઈ શકે છે.
🎯છેલ્લે થયેલું સંશોધન અહીંની કબરો બાબતનું છે. સામાન્ય રીતે એ સમયે ઉત્તર-દક્ષિણે કબરો થતી પરંતુ અહીં તે ઉપરાંત પૂર્વ-પશ્ચિમ અને ઈશાન-નૈઋત્ય કબરો મળી છે. જે અહીંની મિશ્ર વસતીનું ઘોતક છે.
(૧) સ્થાપત્યની કલાત્મકતા અહીંનું આગવું લક્ષણ છે.
(૨) આ શહેર નદી કાંઠે આવેલું નથી અને તેથી જ કદાચ ખેતી તેનો મુખ્ય વ્યવસાય નહીં હોય.
(૩) જમીનની અંદરથી પાણી લઈ આવવાના ગરનાળા પણ અહીં જ જોવા મળે છે.
(૪) સંરક્ષણની આટલી મજબૂત વ્યવસ્થા મોહેં-જો-ડેરો કે હડપ્પામાં પણ જોવા મળતી નથી.
(૫) લોથલમાં મૃતદેહો ભેગા દફનાવવાની પ્રથા જોવા મળે છે. તો અહીં અગ્નિદાહ આપ્યા પછી વધેલા અવશેષોને દફનાવવામાં આવ્યા છે.
(૬) તો વળી લોથલમાંથી મોટા પ્રમાણમાં સિંધુ-લિપીવાળી મુદ્રાઓ મળી છે. જ્યારે અહીંથી જૂજ મુદ્રાઓ મળી છે.