Saturday, February 23, 2019

ઈન્દુલાલ યાજ્ઞિક

*👉 જન્મ  -::-  ૨૨  ફેબ્રુઆરી  ૧૮૯૨,*

*👉 મૃત્યુ   -::-   ૧૭  જુલાઈ  ૧૯૭૨,*

*▪યાજ્ઞિક ઇન્દુલાલ કનૈયાલાલ એ એક સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર હતા. તેમનો જન્મ નડીઆદમાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ તેમણે ત્યાં જ મેળવ્યું હતું. તેઓ ૧૯૦૬માં મૅટ્રિક, ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. તેમણે ૧૯૧૩ થી ૧૯૧૫ સુધી વકીલાત કરી હતી તે દરમિયાન ‘હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. પણ તેમણે કરેલી. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો.*

*▪‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને ૧૯૨૨માં ‘યુગધર્મ’ની શરૂઆત પણ કરી હતી. દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં પણ તેમણે જંપલાવ્યું હતું. ‘પાવાગઢનું પતન’ ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું હતું.*

*▪બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ અધૂરો રહ્યો હતો.. ૧૯૩૦ થી ૧૯૩૫ સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.*

*▪૧૯૪૨માં ‘નૂતન ગુજરાત’ના તંત્રી તરીકે જોડાયા હતા. બાદમાં ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.*

*▪સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. ઘણાં વર્ષ સુધી લોક સભાના સભ્ય રહ્યા હતા. અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.*

*▪‘જીવનવિકાસ’ ‘ગુજરાતમાં નવજીવન’, ‘કારાવાસ’, ‘જીવનસંગ્રામ’, ‘કિસાનકથા’ અને (મરણોત્તર) ‘છેલ્લાં વહેણ’ નામક પેટાશીર્ષકો નીચે પ્રગટ થયેલા ‘આત્મકથા’ના છ ભાગ (૧૯૫૫, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૩) એમનું ગુજરાતી સાહિત્યને મહત્વનું પ્રદાન છે.*

*▪આત્મકથાકારનું ભાવનાશાળી, બુદ્ધિવાદી, પુરુષાર્થી, નિખાલસ, નીડર, સ્વમાની, અધીર ને તરવરિયા સ્વભાવવાળું વ્યક્તિત્વ એમાંથી સુપેરે પ્રગટ થાય છે. લેખકનું સમગ્ર જીવન જાહેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાને લીધે સિત્તેરેક વર્ષના ગુજરાત અને ભારતના રાજ્કીય-સામાજિક જીવનમાં ઉદભવેલાં સંચલનોનું જે ચિત્ર એમાં ઊપસી આવે છે તે દ્રષ્ટિએ આ ગ્રંથનું દસ્તાવેજી મૂલ્ય પણ ઘણું છે.*

*▪‘આશા-નિરાશા’ (૧૯૩૨), ‘રણસંગ્રામ’ (૧૯૩૮), ‘શોભારામની સરદારી’ (૧૯૩૮), ‘વરઘોડો’ (૧૯૪૩), ‘અક્કલના દુશ્મન’ (૧૯૫૪), ‘ભોળાશેઠનું ભૂદાન’ (૧૯૫૪) વગેરે રાજ્કીય વિષયવાળાં ભાવનાલક્ષી અને પ્રચારલક્ષી નાટકો એમણે લખ્યાં છે; તો એમની નવલકથા ‘માયા’ (૧૯૬૫) એક સ્ત્રીની મહાગુજરાતના રાજ્કીય આંદોલનની પૃષ્ઠભૂમાં આકાર લેતી પ્રણયકથા છે.*

*▪‘મહાત્મા ગાંધીજીના સહવાસમાં’- પુ. ૧, ૨ (૧૯૩૩, ૧૯૩૪), ‘સત્યાગ્રહ : નિષ્ફળ ને નકામું શસ્ત્ર’ (૧૯૩૩), ‘યરોડા આશ્રમ’ (૧૯૫૨) એ ગાંધીજીના સહવાસના ફળરૂપે રચાયેલા ગ્રંથોમાં ગાંધીજીનાં જીવન, સિદ્ધાંતો અને પ્રવૃત્તિઓની ટીકાત્મક દ્રષ્ટિએ થયેલી આલોચના છે.*

*▪‘કુમારનાં સ્ત્રીરત્નો’ (૧૯૨૬) રેખાચિત્ર કે વાર્તાના પ્રકારમાં ન મૂકી શકાય એવાં અનુભવચિત્રોની માળાનું પુસ્તક છે. કુમાર નામના વકીલે પોતાના સંસ્કારઘડતરમાં ભાગ ભજવ્યો હોય તેવી છ સ્ત્રીઓનાં અનુભવચિત્રો એમાં આલેખ્યાં છે. આ સર્વ ચિત્રોમાં સૂત્રરૂપે આવતા કુમારનું નોખું વ્યક્તિત્વ પણ એમાં ઊપસે છે.*

*▪‘શહીદનો સંદેશ’ (૧૯૩૬) એમનો ચરિત્રગ્રંથ છે. ‘નાગપુર મહાસભા’ (૧૯૨૧), ‘ગામડાનું સ્વરાજ્ય’ (૧૯૩૩), ‘કિસાન જાહેરનામું’ (૧૯૩૯), ‘સ્વદેશી શા માટે ?’ (૧૯૫૪), ‘સોવિયેત દેશ’ (૧૯૭૨) વગેરે એમની પરિચય-પુસ્તિકાઓ છે. ‘રાષ્ટ્રગીત’ (૧૯૨૨), ‘મુકુલ’ (૧૯૨૪) વગેરે એમનાં સંપાદિત પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ ‘મિ. ગાંધી ઍઝ આઈ નો હિમ’ અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાચરિત્રપુસ્તકો લખ્યાં છે.*