Saturday, March 2, 2019

તારક મહેતા

👉 જન્મ - ૨૬ ડિસેમ્બર ૧૯૨૯ અમદાવાદ

👉 અવસાન - ૧ માર્ચ, ૨૦૧૭ (૮૭ વર્ષ)

👉 તારક જનુભાઈ મહેતા પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૪૫માં મૅટ્રિક પાસ કર્યા બાદ ૧૯૫૬માં ખાલસા કૉલેજમાંથી શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ.ની પદવી મેળવી હતી.

👉૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી રહ્યા. ૧૯૫૯-૬૦માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી.

👉 એમણે ત્રિઅંકી નાટકો નવું આકાશ નવી ધરતી (૧૯૬૪), દુનિયાને ઊંધા ચશ્મા (૧૯૬૫), પ્રહસન કોથળામાંથી બિલાડું (૧૯૬૫) ઉપરાંત તારક મહેતાના આઠ એકાંકીઓ (૧૯૭૮) અને તારક મહેતાનાં છ એકાંકીઓ (૧૯૮૩) આપ્યાં છે.

👉 તારક મહેતાના ઊંધા ચશ્મા (૧૯૮૧), શ્રેષ્ઠ હાસ્યરચનાઓ (૧૯૮૨), તારક મહેતાનો ટપુડો (૧૯૮૨), તારક મહેતાના ટપુડાનો તરખાટ (૧૯૮૪), દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી ભા. ૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. એક્શન રિપ્લે નામે તેમણે આત્મકથા લખી છે. નિખાલસ કબુલાતના સંદર્ભે આ કૃતિ ખૂબ જ ઉલ્લેખનિય છે.

👉 તારકભાઈને ૨૦૧૫માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.૨૦૧૧માં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો અને ૨૦૧૭માં રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક મરણોત્તર એનાયત થયો હતો.